આસલોણા આશ્રમશાળાના પૂર્વ આચાર્ય - શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખનું અવસાન
- byDamanganga Times
- 07 September, 2026
કપરાડા, તા.૦૬ ઃ વલસાડ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના ભૂતપૂર્વ પ્રમુખનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે. આવતીકાલે ૭ મી સપ્ટેમ્બર ના રોજ તેમની દીકરી વિદેશથી પરત આવ્યા બાદ તેમની અંતિમયાત્રા નીકળી પારડી સ્મશાને જશે.
આશ્રમશાળા આસલોણાના ભૂતપૂર્વ આચાર્ય તથા વલસાડ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ તખ્તસિંહ આર. ઠાકોરનું ગઈકાલે તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર આશ્રમશાળા પરિવાર તથા શિક્ષક સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. તખ્તસિંહ આર. ઠાકોર હાલમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા, રોહિયાળ જંગલમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષણ ક્ષેત્રે તેમણે નિષ્ઠાપૂર્વક અને સેવાભાવથી આપેલી સેવાઓ તેમજ ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના આશ્રમશાળા સંગઠન માટે તેમણે આપેલું અમૂલ્ય યોગદાન હંમેશા સ્મરણીય રહેશે. સંગઠનના પ્રશ્નો અને શિક્ષક હિત માટે તેમણે કરેલી કામગીરી શિક્ષક સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.
તેમના નિધનથી શિક્ષણ ક્ષેત્રે ઍક સેવાભાવી, કર્મનિષ્ઠ અને સંવેદનશીલ વ્યક્તિત્વની ખોટ પડી છે. સમગ્ર આશ્રમશાળા પરિવાર તથા શિક્ષક સમાજ તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે. ઉલ્લેખનીય છે કે તેમના ઍકમાત્ર પુત્રી વિદેશમાં હોવાથી તેમના સ્વદેશ પરત આવ્યા બાદ દિવંગત તખ્તસિંહ આર. ઠાકોરની અંતિમયાત્રા તા. ૦૭/૦૯/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૮ઃ૩૦ કલાકે કિલ્લા પારડી, અરિહંત ટાઉનશિપથી નીકળશે.
