ડાંગમાં ૫૦ પરિવારોની ઘરવાપસી
- byDamanganga Times
- 07 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૬ ઃ ડાંગ જિલ્લાનાં પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ પંપા સરોવર ખાતે તાજેતરમાં ઍક વિશેષ અને ભાવુક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ અંતર્ગત આવલ્યામાળ, ટાંકલીપાડા અને વડપાડા સહિત આસપાસના વિવિધ ગામોના આશરે ૫૦ જેટલા પરિવારોનું વૈદિક અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ હિન્દુ સમાજમાં વિધિવત પુનઃઆગમન (ઘરવાપસી) કરાવવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પંપા સરોવર પરિસરમાં સવારથી જ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક ગ્રામજનોનો મોટો સમુદાય ઍકત્ર થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર પવિત્ર મંત્રોચ્ચાર અને ધાર્મિક વાતાવરણથી ગૂંજી ઉઠ્યો હતો. પંપા સરોવરના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલી આ ધાર્મિક વિધિ દરમિયાન શુદ્ધિકરણ અને પરંપરાગત પૂજા-અર્ચના પૂરા ઉત્સાહ અને આસ્થા સાથે સંપન્ન કરવામાં આવી હતી.આયોજકોના જણાવ્યા અનુસાર, પોતાના મૂળ વિરાસત, પ્રાચીન ધર્મ અને પરંપરાઓ પ્રત્યેની ગાઢ આસ્થાને કારણે આ પરિવારોઍ સ્વૈચ્છિક રીતે પોતાની સંસ્કૃતિ સાથે પુનઃજોડાવાનો હૃદયપૂર્વક નિર્ણય લીધો હતો. પોતાના સનાતન મૂળ તરફ પાછા ફરવાની ખુશીમાં ભાગ લેનાર તમામ પરિવારજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.આ સમૂહ પુનઃઆગમન પ્રસંગે સંબંધિત ગામોમાં અને પંપા સરોવર ખાતે કોઈ મોટા તહેવાર જેવો ઉજવણીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પરત ફરેલા તમામ પરિવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં આવકારવામાં આવ્યા હતા. સંપૂર્ણ ધાર્મિક વિધિઓ, સંતો-મહંતોના આશીર્વાદ અને સામાજિક ઍકતાના સંદેશ સાથે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
