Damanganga Times.

Damanganga Times.

September 07, 2026

વાપી રેલવે સ્ટેશનના નવીનીકરણને વેગ

વાપી રેલવે સ્ટેશનના નવીનીકરણને વેગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચાલી રહેલું નવીનીકરણ કાર્ય હવે વધુ ગતિશીલ બન્યું છે. સ્ટેશન પરિસરમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવીનીકરણના ભાગરૂપે રેલવે સ્ટેશન નજીક આવેલી જૂની રેલવે કોલોનીના મકાનો તોડી જગ્યાને ખુલ્લી કરવામાં આવી રહી છે. આ જગ્યામાં પાર્સલ ઓફિસ સહિત અન્ય જરૂરી રેલવે કચેરીઓનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રેલવે પરિસરમાં આવતા પાણીની ટાંકીથી જૂના રેલવે અંડરબ્રિજ સુધીના માર્ગને બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. માર્ગ બંધ થયા બાદ મુસાફરો અને વાહનચાલકો માટે ર્પાકિંગની સુવિધા ઊભી કરવા માટે શીતળા માતા મંદિર નજીક  ર્પાકિંગની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે દેશભરના પસંદગીના રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના હેતુથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં વાપી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન તરીકે વાપીનું વિશેષ સ્થાન છે. ઔદ્યોગિક વિસ્તારને તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની ઇન્ડસ્ટ્રીઝ ને કારણે વાપી સ્ટેશન પરથી મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે તેમજ રેલવે માટે પણ વાપી મહત્વનું આવકદાયક સ્ટેશન છે.
નવીનીકરણ પૂર્ણ થયા બાદ વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વધુ સુવિધાજનક માળખું ઊભું થશે. સ્ટેશન પરિસરમાં મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાર્સલ સેવા, તેમજ વિવિધ કચેરીઓ, ર્પાકિંગ સહિતની વિવિધ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.