Damanganga Times.

Damanganga Times.

September 07, 2026

નવસારી જિલ્લાના રંગપુર શાળાના શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક ઍવોર્ડ

નવસારી જિલ્લાના રંગપુર શાળાના શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક ઍવોર્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા.૦૬ ઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળાને આધુનિક અને નવીન શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષક નીતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠકને શિક્ષક દિન નિમિત્તે નેશનલ ટીચર્સ ઍવોર્ડ-૨૦૨૬થી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સન્માન સમગ્ર ગુજરાતના શિક્ષણજગત માટે ગૌરવની ક્ષણ બની છે.
વર્ષ ૨૦૧૫માં પોતાના ઘરથી ૭૨ કિમી દૂર આવેલી રંગપુર સરકારી શાળામાં બદલી થઈને આવેલા નીતિનકુમાર પાઠકે ગામલોકો, દાતાઓ અને લોકભાગીદારીના સહયોગથી શાળાના વિકાસ માટે આશરે રૂ. ૧.૪૮ કરોડનું દાન ઍકત્રિત કરી શાળાનો સંપૂર્ણ કાયાકલ્પ કર્યો છે. પરિણામે ઍક સામાન્ય સરકારી શાળા આજે ‘ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ’ તરીકે નવી ઓળખ ઉભી કરવામાં સફળ બની છે.
શાળામાં આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણની સાથે ગ્રીનસ્કૂલ, કેચ ધ રેન, ન્યૂઝ સ્ટુડિયો, ગણિત-વિજ્ઞાન બાળ પ્રદર્શન અને સાયન્સ સેન્ટર જેવી અનેક નવીન પહેલો સાકાર કરવામાં આવી છે. શાળાની દીકરીઓ હિન્દી ભાષામાં ન્યૂઝ બુલેટિનનું ઍન્કરિંગ કરે છે, જ્યારે વિદ્યાર્થીઓ ૧૦૮ જેટલા ર્વકિંગ મોડલ્સ ધરાવતા સાયન્સ સેન્ટરમાં પ્રયોગો દ્વારા વિજ્ઞાનનું જ્ઞાન મેળવે છે. વર્ગખંડોમાં ટેબ્લેટ અને ટચ સ્ક્રીન જેવી આધુનિક સુવિધાઓથી શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવામાં આવ્યું છે.
આચાર્ય નીતિનકુમાર પાઠક દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૬૫ દિવસના ગણિત-વિજ્ઞાન કેલેન્ડર તથા કયુઆર કોડ આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને વર્ષભર સતત અને નવીન રીતે અભ્યાસ કરવાની તક મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં શાળાના ૮૯ વિદ્યાર્થીઓઍ સરકારી મેરિટ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રા કર્યું છે. શાળાની ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થઈ ખાનગી શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ હવે રંગપુરની સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્ના છે.
શાળાના વિકાસમાં શિતાંજલી ફાઉન્ડેશન, શેઠજી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઉધના સહિતના દાતાશ્રીઓ અને સંસ્થાઓઍ આપેલી આર્થિક સહાય પણ મહત્વપૂર્ણ રહી છે. શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો, દાતાઓ અને લોકભાગીદારીના સહયોગથી શાળાઍ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે.સેંકડો આદિવાસી બાળકોના ભવિષ્યને ઘડવા, શિક્ષણમાં નવીન પ્રયોગો કરવા અને સરકારી શાળાને આધુનિક શિક્ષણના ઉત્તમ મોડેલમાં પરિવર્તિત કરવા બદલ નીતિનકુમાર પાઠકને મળેલું રાષ્ટ્રીય સન્માન તેમના કાર્યની રાષ્ટ્રીય સ્તરે થયેલી નોંધપાત્ર કદર છે.