ઔરંગાના જર્જરિત ઓવારાનું સમારકામ હાથ ધરાયું
- byDamanganga Times
- 07 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ શહેરમાંથી વહેતી ઔરંગા નદીનો ઓવારો દશામાની મૂર્તિ, તાજિયા તેમજ ગણેશ વિસર્જન જેવા ધાર્મિક પર્વો માટે અત્યંત મહત્વનું સ્થળ છે. જોકે, પાલિકા સંચાલિત આ ઓવારો લાંબા સમયથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ મુદ્દે સ્થાનિક અગ્રણીઓ દ્વારા વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી ન હલતાં. સ્થાનિકોઍ ઓવારા પર પ્રતીકાત્મક ‘કબર’ બનાવી પાલિકાને સદબુદ્ધિ મળે તે માટે અનોખી પ્રાર્થના કરી રોષ વ્યક્ત કરતા પાલિકા દોડી કામગીરી શરૂ કરવાની નોબત આવી છે. પાલિકાઍ અહીં યુદ્ધના ધોરણે માટી અને પત્થરનું પુરાણ કામ હાથ ધરી ઍના પર જેસીબીથી લેવલીંગ કરી અોવારાને વધારે મજબુત અને સલામત બનાવવાનું કામ હાથ ધર્યુ છે જેથી ગણેશ વિસર્જન વખતે સુવિધા અને સલામતી જળવાઈ રહે.
આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા તેમજ હનુમાન ભાગડા ગામના માજી સરપંચ અને વર્તમાન તાલુકા પંચાયત સભ્ય પ્રીતિબેન પટેલ દ્વારા પાલિકા તંત્રને ઓવારાના તાત્કાલિક રીપેરીંગ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
