Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

વાપીમાં રવિવારે માંડ ઍક જ ઈંચ વરસાદ

વાપીમાં રવિવારે માંડ ઍક જ ઈંચ વરસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આજે વહેલી સવારથી સાંજે છ કલાક દરમિયાન ૧૯ મિ.મી. (પોણો ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સાથે ચાલુ ચોમાસા નો કુલ વરસાદનો આંક ૪૮૧ મિ.મી. ઍટલે કે ૧૯.૨૪ ઇંચ પર પહોંચી ગયો છે.
સતત વરસેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના પગલે રેલવેના જે-ટાઈપ અન્ડરબ્રિજ તેમજ જૂના રેલવે અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
અનેક વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, જ્યારે કેટલાક લોકોઍ વૈકલ્પિક માર્ગોનો સહારો લીધો હતો.
બીજી તરફ બલીઠા અન્ડરબ્રિજ વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટના તેમજ પાણીના લીકેજને કારણે વાહનોની અવરજવર ધીમી બની હતી.
પરિણામે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાપી પંથકમાં ચોમાસાની શરૂઆતથી જ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વારંવાર સામે આવી રહી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલ, અન્ડરબ્રિજોમાં પંપિંગ વ્યવસ્થા ૨૪ કલાક યુદ્ધના ધોરણે ચલાવે જેને લઇ અંડર બ્રિજમાં પાણી ભરાવાના બનાવ ન બને ઍટલે વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.