માંડવા ચોકડી પાસે ગ્રામજનોઍ સ્વખર્ચે કિચડની સમસ્યા દુર કરી
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ નાનાપોંઢા તાલુકાના માંડવા ચોકડી (ફાટક) વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી કિચડની સમસ્યાનો ગ્રામજનોઍ સ્વયં આગળ આવીને પ્રશંસનીય રીતે ઉકેલ લાવ્યો છે. કોઈ સરકારી સહાયની રાહ જોયા વિના ગ્રામજનોઍ સ્વખર્ચે ગ્રીટ મંગાવી શ્રમદાન સાથે સ્થળ પર પાથરી હતી, જેના કારણે મુસાફરો અને સ્થાનિકોને મોટી રાહત મળી છે.
ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ચોકડી વિસ્તારમાં ભારે કિચડ થવાને કારણે અગાઉ મૂકવામાં આવેલા બાંકડાંનો ઉપયોગ પણ શક્ય બનતો ન હતો. ખાસ કરીને બસની રાહ જોતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામના જાગૃત આગેવાનો અને ગ્રામજનોઍ સામૂહિક પ્રયાસો કરીને ગ્રીટ પાથરી સમગ્ર વિસ્તાર સમતળ બનાવ્યો હતો. પરિણામે હવે મુસાફરો માટે બેસવાની તેમજ અવરજવર કરવાની સુવિધા વધુ સરળ અને સુરક્ષિત બની છે. માંડવા ચોકડી વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી આ સેવાભાવી પહેલનો લાભ અનેક મુસાફરો અને ગ્રામજનોને મળી રહ્ના છે. ગ્રામજનોઍ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સ્થાનિકોમાં તેમની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
