બીલીમોરાના ગોહરબાગમાં ગંદકી ફેલાવતા હોટલ સંચાલકોને પાઠ ભણાવ્યા
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૩ ઃ બીલીમોરા શહેરના ગોહરબાગ મુખ્ય માર્ગ પર ચાઈનીઝ હોટલના બેજવાબદાર સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકીનું સામ્રાજ્ય ખડકી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ નફફટાઈની જાણ થતાં જ વોર્ડ નં-૭ ના નગરસેવક ચિંતન શાહ રાત્રે ૧ વાગ્યે સપાટો બોલાવતા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને કાયદાનું ભાન કરાવી હોટલ સંચાલકોને બરાબરના ખખડાવ્યા હતા. નગરસેવકે કડક વલણ અપનાવી ગંદકી કરનારા તત્વો પાસે જ રાતોરાત સમગ્ર માર્ગ પરથી કચરો સાફ કરાવી કાયદાનો પરચો આપ્યો હતો. જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામેની આ લાલ આંખનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નગરજનોઍ આ આકરી કાર્યવાહીને બિરદાવી છે અને વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવા સખત ચેતવણી આપવામાં આવી છે.
