Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

નાનાપોઢા તાલુકામાં ભારે વરસાદથી ૨૦થી વધુ વીજપોલ ધરાશાયી

નાનાપોઢા તાલુકામાં ભારે વરસાદથી ૨૦થી વધુ વીજપોલ ધરાશાયી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૦૩ ઃ નાનાપોઢા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને નોંધપાત્ર નુકસાન થયું છે.
નાનાપોઢા સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં ૨૦થી વધુ વીજ પોલ ધરાશાયી થતાં અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કેટલાક સ્થળોઍ વીજ લાઈનો તૂટી પડતાં સુરક્ષાના પગલાં તરીકે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ વહેલી સવારથી જ સ્થળ પર પહોંચી મરામત કામગીરીમાં જોડાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરતાં તૂટેલા પોલ બદલવા, વીજ લાઈનોનું સમારકામ કરવા અને વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વહીવટી તંત્ર અને વીજ કંપનીની સંયુક્ત કામગીરીના પરિણામે મોટા ભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. બાકી રહેલા વિસ્તારોમાં પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે. અધિકારીઓઍ લોકોને તૂટેલા વીજ તારથી દૂર રહેવા અને કોઈપણ વીજ સંબંધિત સમસ્યા જણાય તો તાત્કાલિક વીજ કંપનીને જાણ કરવાની અપીલ કરી છે.