વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં તા. ૨ જુલાઈ સવારે ૬ થી તા. ૩ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં ૭૪.૪૩ મી.મી વરસાદ ખાબક્યો હતો. લસાડ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ, આજે તા.૩/૭/૨૦૨૬ ના રોજ સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ તાલુકામાં ૧૯૯ મી.મી., અને સૌથી ઓછો વરસાદ ઉમરગામ તાલુકામાં ૩૮ મી.મી.નોંધાયો છે. દિવસભર વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં નદી-નાળા અને કોઝવે છલકાતા અનેક રસ્તાઓ પર પાણી ભરી વળતા જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૪૧ રસ્તા વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં પારડી તાલુકામાં ૧૮, વલસાડ તાલુકામાં ૨૨ અને ઉમરગામ તાલુકામાં ૧ રસ્તાનો સમાવેશ થાય છે. ઓવરટેપિંગ વાળા રસ્તા પર કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વાહનચાલકો તેમજ રાહદારીઓને ડાયવર્ઝન વાળા રસ્તા પરથી જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે.
વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર ઍચ.ઍચ.કાકલોતરે જણાવ્યું કે, કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઍનડીઆરઍફની ટીમ દ્વારા પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. અતિભારે વરસાદને કારણે ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવી જરૂરી જણાતા રજા જાહેર કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતુ કે, અતિભારે વરસાદ વરસતા ઓવરટેપીંગના કારણે ત્રણ સ્ટેટ હાઈવે (૧) વલસાડ-ગુંદલાવ, ખેરગામ, આછવણી અને પાણી ખડક રોડ, (૨) પારડી તાલુકામાં પારડી વેલપરવા, આમલી, તરમાલિયા રોડ અને પારડી તાલુકામાં જ ઉમરસાડી દેસાઈવાડ રોડ બંધ કરવામાં આવ્યા છે. તથા ઓવરટેપિંગના કારણે જે કોઝવે ડૂબાણમાં ગયા છે ત્યાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ મુકવા તથા પોલીસ બંદોબસ્ત રાખવા સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી છે. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં છુટા છવાયા સ્થળોઍ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જરુરી તકેદારીના પગલા સુનિતિ કરી, જરૂરી પગલાંઓ લેવા જણાવાયું છે.
