Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

નવસારીમાં ફરતું પશુ દવાખાનાઍ મસ્ટાઈટીસથી બચાવનો સંદેશ આપ્યો

નવસારીમાં ફરતું પશુ દવાખાનાઍ મસ્ટાઈટીસથી બચાવનો સંદેશ આપ્યો


નવસારી, તા.૦૨ ઃ નવસારી જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને દૂધાળા પશુઓમાં જોવા મળતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) રોગ અંગે જાગૃત કરવા માટે ૧૯૬૨ પશુ હેલ્પલાઈન હેઠળ કાર્યરત ફરતા પશુ દવાખાનાઓ દ્વારા ગામે-ગામે જઈ માર્ગદર્શન આપવામાં આવી રહ્નાં છે.
મસ્ટાઈટીસ ઍ ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓના આંચળમાં થતો ચેપી રોગ છે. આ રોગના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાની સાથે પશુપાલકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. રોગના મુખ્ય લક્ષણોમાં આંચળમાં સોજો, ગરમાવો અને દુખાવો થવો, દૂધમાં ગાંઠો પડવી, દૂધનો રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવું જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં પશુને તાવ આવવો, ખોરાક ઓછો લેવો તેમજ નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.
ફરતા પશુ દવાખાનાની ટીમ દ્વારા પશુપાલકોને પશુઓના આંચળની સ્વચ્છતા જાળવવા, દોહન પહેલાં અને પછી યોગ્ય સ્વચ્છતા રાખવા, રોગના પ્રાથમિક લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર પશુચિકિત્સકનો સંપર્ક કરવા તેમજ સમયસર સારવાર કરાવવાથી રોગને ગંભીર બનતો અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ પશુ હેલ્પલાઈન હેઠળના ફરતા પશુ દવાખાનાઓ દ્વારા પશુઓના આરોગ્યની દેખભાળ, સારવાર તેમજ પશુપાલકોને વિવિધ પશુરોગોના નિવારણ અંગે સતત જાગૃતિ અને માર્ગદર્શનની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.