વલસાડ જિલ્લામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો શુભારંભ
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૨ ઃ રાજ્યમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુંદર પર્યાવરણ માટેના સહિયારા પ્રયત્નોના ભાગરૂપે ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નું આયોજન કરાયું છે ત્યારે વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો ઉદ્ઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે રાષ્ટ્રીય ડોકટર દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આરોગ્ય અને સ્વચ્છતા ઍક સિક્કાની બે બાજુ છે. બંને ઍક બીજા સાથે પરસ્પર જોડાયેલા છે. આપણા સરકારી દવાખાનામાં દર્દી ડોકટરને ભગવાન માનીને સારવાર માટે આવે છે. ત્યારે દર્દીનું દુઃખ દૂર કરવું ઍ આપણી ફરજ છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે રાષ્ટ્રીય ડોકટર ડે અને ચાર્ટડ ઍકાઉન્ટન્ટ દિવસની શુભેચ્છા આપી તબીબોને જણાવ્યું કે, ડોકટર તરીકે ફરજ પર જોડાયા ત્યારે તમે જે શપથ લીધી હતી તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાની છે.
ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીઍ આ અભિયાનનો હેતુ સમજાવતા જણાવ્યું કે, આ અભિયાનનો હેતુ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુરક્ષિત, સુવ્યવસ્થિત તેમજ દર્દી મૈત્રીપૂર્ણ બનાવવાનો છે. જેથી દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપ્લબ્ધ થઈ શકે. આ પ્રસંગે રાજ્ય વ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીના જીવંત પ્રસારણ કાર્યક્રમને સૌઍ નિહાળ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સપ્રીટેન્ડન્ટ ડો.ભાવેશ ગોયાણી, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન સપ્રીટેન્ડન્ટ ડો. કીર્તિદા ટંડેલ, તાલુકાના સર્વે હેલ્થ ઓફિસરોઓ, સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતો. સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે.સિંઘે જ્યારે આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍચ.પી. સિંઘે કરી હતી.
