Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૨ ઃ ધરમપુર  જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ લોક દરબાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત નગરજનો ઓળખ કરાવ્યા બાદ  નગરના અગ્રણી વસંતભાઈ કોટકે રાધાકૃષ્ણ મંદિરથી બજાર વિસ્તારમાં આવેલી ઘરેણાંની દુકાનો સુધી સીસીટીવી કેમેરા ગોઠવવાની રજૂઆત કરી હતી.
પાલિકાના સભ્ય ડાયાભાઈ પટેલે ખેરગામ રોડ જકાતનાકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્નાં હોવાથી ત્યાં કાયમી ધોરણે પોલીસ કર્મચારી અથવા જી.આર.ડી. જવાનની નિમણૂક કરવાની માંગ કરી હતી. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ જયેશભાઈ દળવીઍ ધરમપુર વિસ્તારમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની અને કેટલાક તત્વોના ઇશારે આવા વાહનો પસાર થતા હોવાના આક્ષેપ સાથે તેની નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરી હતી.  બોપી-હનમતમાળ વિસ્તારમાં શૈક્ષણિક સંકુલો તેમજ ખેડૂતોના મોટરના વાયર ચોરીના બનાવો થતા હોવાથી આવા ગુનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ઍડવોકેટ જયદીપસિંહ સોલંકીઍ નગરની સોસાયટીઓ અને મહોલ્લાઓમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે તો ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થઈ શકે નો વિચાર રજૂ કર્યો હતો.
કલ્પેશ પટેલે વરસાદી સિઝનમાં બુલેટ, કે.ટી.ઍમ. સહિતની બાઇકો બેફામ રીતે ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવી   તેમજ વાસદા માર્ગ પર તાન અને માન નદીના પુલ ચાલુ કરાવવા બાબતે રજૂઆત કરી હતી.
 કમલેશ પટેલે બજારમાં રસ્તા પર દુકાનોનો સામાન મુકાતો હોવાથી ટ્રાફિકને ભારે અડચણ ઉભી થતી હોવાનું જણાવી આવા દબાણો દૂર કરવાની માંગ કરી હતી.
પાલિકાના સભ્ય સમીપ રાંચે બહારથી આવીને ધરમપુરમાં રહેતા લોકોની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી નિયમિત રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમણે સોશિયલ મીડિયાના કેટલાક વાંધાજનક ઉપયોગથી કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થતી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
નગરમાં પાનના ગલ્લાઓ પાસે યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધતું હોવાથી  તેના પર નિયંત્રણ લાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી. મયંક મોદી અને ગણેશ બિરારીઍ પાલિકા અને તાલુકા ની ગ્રાન્ટ માંથી જરૂરિયાત હોય ઍવી જગ્યાઍ સીસીસી કેમેરા ગોઠવવા અંગે વિચાર રજૂ કર્યો હતો.
તમામ રજૂઆતો સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાઍ જણાવ્યું હતું કે શાળાઓની આસપાસ ગુટકા, સિગારેટ તથા અન્ય નશીલા પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દસ્તાવેજો વિના રહેતા ભાડૂતોની ચકાસણી પણ કરવામાં આવશે.
ઍસપીઍ વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર મદદ કરી હોસ્પિટલ પહોંચાડવાથી તેનો જીવ બચી શકે છે. સરકારની યોજના હેઠળ અકસ્માતગ્રસ્તનો જીવ બચાવવામાં મદદ કરનાર વ્યક્તિને ૨૫,૦૦૦ સુધીનું ઇનામ આપવામાં આવે છે. સાથે જ ઘાયલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા અંગે પણ લોકોને અપીલ કરી હતી.
યોજાયેલ લોક દરબારમાં ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, પાલિકા પ્રમુખ મયંક મોદી, ઍઍસપી સંદીપ ટી., પીઆઈ નિખિલભાઈ ભોયા,  નગરના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્ના હતા.