વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ જારી
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ વલસાડમાં સતત ત્રીજા દિવસે પવન સાથે વરસાદ પડતા પોલિટેકનિક કોલેજ રોડ પર વૃક્ષ અને મોટા બજાર માણેક શા લાયબ્રેરી’ તિથલ રોડ પર બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી.વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વલસાડ શહેરના કોસંબા રોડ પર આવેલા પોલિટેકનિક કોલેજ પાસે ઍક વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષ રોડ પર જ તૂટી પડવાના કારણે કોલેજ તરફ જતો ઍક સાઈડનો આખો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે કોલેજે આવતા-જતા વિદ્યાર્થીઓ અને વાહનચાલકો વચ્ચે ભારે હાલાકી પડી હતી..ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને આ અંગે વહીવટી તંત્રને જાણ કરી હતી. રસ્તા પરથી વૃક્ષ હટાવી દેવામાં આવતા ફરી વાહનોની અવરજવર શરૂ થઈ હતી.વલસાડ શહેરના મોટા બજામાં આવેલી ઐતિહાસિક અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી ‘માણેક શા લાયબ્રેરી’ વરસાદી પાણી થી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત, તિથલ રોડ પર બ્રહ્મકુમારી સેન્ટર પાસે ઍક નિર્માણાધીન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ પણ ભારે વરસાદના કારણે તૂટી પડવાની ઘટના બની હતી.
