વલસાડના કાંઠાની સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવો
- byDamanganga Times
- 12 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દેવાનું કૌભાંડ ફરી ઍકવાર જોરશોરથી શરૂ થયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. થોડા વર્ષ અગાઉ વલસાડ જિલ્લા કલેકટરની સૂચનાથી પ્રાંત અધિકારી દ્વારા કેટલાક ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી, કકવાડી, ભાગલ, માલવણ, સહિતના અન્ય કાંઠા વિસ્તારના ગામોમાં સરકારી અને ગૌચરની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવીને મોટા પાયે ઝીંગા તળાવોનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. થોડા વર્ષો અગાઉ વલસાડ જિલ્લા કલેક્ટરની કડક સૂચના બાદ પ્રાંત અધિકારી અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારોમાં ત્રાટકીને કરોડો રૂપિયાની સરકારી જમીન પરથી ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીથી ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ સમય જતાં તંત્રની ઢીલી નીતિનો લાભ ઉઠાવીને તત્વો ફરી સક્રિય થયા છે.
અગાઉ જે સ્થળોઍથી દબાણો હટાવવામાં આવ્યા હતા, તે જ સરકારી જમીનો પર કોઈ પણ જાતની મંજૂરી વગર ફરીથી રાતોરાત ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સ્થાનિક પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતાને પણ મોટું નુકસાન થઈ રહ્નાં હોવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં આ મામલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે અને લોકો સવાલ ઉઠાવી રહ્ના છે કે સરકારી જમીન પર વારંવાર થતા આ દબાણો પાછળ કોના આશીર્વાદ છે? કાંઠા વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી આ બાબતે તાત્કાલિક કડક તપાસ કરાવી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે અને ફરીથી આ દબાણો કાયમી ધોરણે દૂર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
