Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે રાતા પાણી રોવાનો વારો

વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે રાતા પાણી રોવાનો વારો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

ચીવલ, તા.૨૫ ઃ વલસાડ જિલ્લામાં આ વર્ષે ખેડૂતો માટે પરિસ્થિતિ અત્યંત કપરા બની છે. વર્ષોથી અનિયમિત વરસાદ, વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોનો સામનો કરતા ખેડૂતો હવે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓની આડઅસરથી પણ પરેશાન બન્યા છે. ખાસ કરીને કેરી ઉત્પાદકોને યોગ્ય ભાવ ન મળતા ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લો કેસર, હાફૂસ અને રાજાપુરી જેવી પ્રખ્યાત કેરી માટે ઓળખાય છે, પરંતુ આ વર્ષે બજારમાં માંગ ઓછી જોવા મળી રહી છે. બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓ પણ ઓછી સંખ્યામાં આવતા હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોઍ જણાવ્યું હતું કે ડીઝલના વધતા ખર્ચ, મજૂરી અને પરિવહન ખર્ચ વચ્ચે પાકનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની ગયો છે. હાલ બજારમાં કેસર કેરીનો ભાવ અંદાજે ૧૦૦૦ રૂપિયા પ્રતિ કેનિન ૬૦૦, હાફૂસ ૫૦૦ રૂપિયા અને રાજાપુરી ૫૦૦ રૂપિયા સુધી નોંધાયો છે, જે ખેડૂતોની અપેક્ષા કરતાં ઘણો ઓછો છે. ખેડૂતોનું કહેવું છે કે આટલા ઓછા ભાવમાં ખેતી કરવી હવે નુકસાનકારક સાબિત થઈ રહી છે.

ખેડૂતોમાં ભવિષ્યને લઈને પણ ચિંતા વધી રહી છે. અનેક ખેડૂતોનું માનવું છે કે જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભારત દેશની ખેતી પ્રધાન દેશ તરીકેની ઓળખ ધીમે ધીમે ભૂલાઈ જશે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય, યોગ્ય ભાવ અને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે આ વર્ષે પરિસ્થિતિ અત્યંત કપરા બની છે.

 કુદરતી આફતો, બજારમાં મંદી અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી.

 કેસર, હાફૂસ અને રાજાપુરી કેરીના ભાવ ઘટતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોના મતે હવે ખેડૂતો માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. આજની મોંઘવારી સામે શેરડી, શાકભાજી, ડાંગર અને કેરીના પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે ખેતી નુકસાનકારક બની રહી છે. બહારથી વેપારીઓ પણ ઓછા આવતા હોવાથી ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ બનતી જઈ રહી છે.