Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

માંડા ખંડવાઈ ફ.માં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરાયું

માંડા ખંડવાઈ ફ.માં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકાના માંડા ગામના ખંડવાઈ ફળિયા ખાતે ગ્રામ્ય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂપિયા ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલા આંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી રૂપિયા ૨ લાખના ખર્ચે નિર્માણ થનાર પાણીની ટાંકીનું પણ મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડા ગ્રામ પંચાયતનાં સરપંચ સંગીતાબેન, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ વરાઠા, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો. નિરવ શાહ, સરઈ ગ્રામ પંચાયતના સરપંચ વાસુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ સહિતના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.

કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના નવા મકાનથી ભૂલકાંઓને શિક્ષણ અને પોષણની પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાજનક વાતાવરણ મળશે, જ્યારે પાણીની ટાંકીના નિર્માણથી સ્થાનિક ગ્રામજનોને પીવાના પાણીની સુવિધામાં લાભ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધન કરી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનાં કામો અને પ્રાથમિક સુવિધાઓના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.