વાપીમાં લોન ભરપાઈ, છતાં ગ્રાહકને દસ્તાવેજ ન આપતાં ફાયનાન્સ કંપનીને દંડ
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના સલવાવમાં રહેતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ અને મંજુ પ્રવીણભાઈ પ્રજાપતિઍ ટેકનો કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, સુરત સામે કરેલી ફરિયાદમાં વલસાડ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચુકાદો આપ્યો છે.
ફરિયાદી ઍ પ્રભુ વિલા, મોજે સલવાવ, તા. વાપી ખાતે આવેલું પોતાનું મકાન તારણમાં મૂકી સામાવાળા પાસેથી સિક્યોર્ડ લોન લીધી હતી. લોન પેટે તમામ રકમ તા. ૦૪/૦૯/૨૦૨૫ના રોજ વ્યાજ સહિત ભરપાઈ કરી દીધી હતી. તેમ છતાં કંપનીઍ અસલ દસ્તાવેજો, રજીસ્ટર વેચાણ દસ્તાવેજ, ઍન.ઓ.સી. અને લોન ભરપાઈ સર્ટિફિકેટ પરત આપ્યા ન હતા.
કમિશને નોંધ્યું કે લોન પૂરી થતાં બેન્કર-ગ્રાહકનો સંબંધ પૂરો થઈ જાય છે. દસ્તાવેજો રોકી રાખવા તે સેવામાં ખામી છે. કમિશને કંપનીને ૩૦ દિવસમાં તમામ અસલ દસ્તાવેજો અને ઍન.ઓ.સી. આપવા હુકમ કર્યો છે.હુકમનું પાલન ન થાય તો ૩૦ દિવસ બાદ પ્રતિદિન રૂ. ૫,૦૦૦ વળતર ચૂકવવું પડશે. સાથે શારીરિક-માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ. ૩,૦૦૦ અલગથી આપવા આદેશ કરાયો છે.
