મોટી ઢોલડુંગરીમાં દીપડી પાંજરે પુરાઈ
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામના ગુંદી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડીની અવરજવરને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. ત્રણ દિવસ અગાઉ આ વિસ્તારના રહેવાસી હિરેનભાઈ પટેલના નિવાસસ્થાને દીપડીઍ મરઘાંનો શિકાર કર્યો હતો. આ અંગે હિરેનભાઈ પટેલે ધરમપુર વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીને પકડવા માટે જરૂરી તજવીજ હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન ગત રાત્રિના આશરે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે દીપડી પાંજરામાં પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતાં છેલ્લા કેટલાક દિવસોથી ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિક રહીશોઍ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડીની હાજરીને કારણે નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવતા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે, દીપડી પાંજરે પુરાતાં સ્થાનિક રહીશોમાં રાહત જોવા મળી હતી. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલી દીપડીને સલામત સ્થળે મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
