Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

વાપીમાં જુગાર રમતાં ૧૮ ઝડપાયા

વાપીમાં જુગાર રમતાં ૧૮ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની વિજિલન્સ ટીમે આજે વહેલી સવારે વાપી ગીતાનગર ટાંકી ફળિયા વિસ્તારમાં ઍક મકાનમાં છાપો મારી અહીં ગંજીફાથી હાર જીતનો જુગાર રમતાં ૧૮ ઇસમોને ઝડપી લીધા હતા. ડીઆઈજીની સૂચનાથી અને લોકેશન આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. મળસ્કે અચાનક પડેલી આ રેડથી ગીતાનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જુગારધામમાં રેડ પડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી, પરંતુ વિજિલન્સ ટીમે ચારે તરફથી ઘેરો ઘાલી તમામને ઝડપી લીધા હતા.

આ જુગારીઓ પાસેથી અને દાવમાં લગાવેલ આશરે ૩ લાખ રોકડ પોલીસે કબજે લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આ જુગારીઓના ૯ સ્કૂટર-બાઇક પણ કબ્જે લેવામાં આવ્યા છે. પોલીસે ગંજીપત્તા અને અન્ય સાધન-સામગ્રી પણ જ કરી છે. તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે નવાઈની વાત તો ઍ છે કે વહેલી સવારે રેડ પડ્યા બાદ ૧૨ કલાક વીતવા છતાં વિજિલન્સ ટીમના અધિકારીઓ મીડિયા સમક્ષ આરોપીઓના નામ કે કોઈ વિગત આપી શક્યા ન હતા. રેડ કોના મકાનમાં પડી, જુગારધામ કોણ ચલાવતું હતું, પકડાયેલા ઇસમો કયા ગામના છે, તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સ્થાનિકોમાં ચર્ચા છે કે વાપીમાં લાંબા સમયથી ગંજીફાનો જુગાર ચાલતો હતો.