ધમડાચી ગ્રા.પં. દ્વારા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર મામલે ડીડીઅોને રજુઆત
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ તાલુકાની ધમડાચી ગ્રામ પંચાયતના વિવિધ વિકાસકામો અને સ્વભંડોળમાં થી ગ્રામ પંચાયતના તળાવ પાસે પ્રોટેક્શન વોલ, પેવર બ્લોક, ફેબ્રિકેશન સહિતનાં વિવિધ કામોમાં રૂ. ૧.૨૪ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે વલસાડ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ વલસાડને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ધમડાચી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રવીણભાઈ ગોપાલભાઈ પટેલે આજરોજ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે ધમડાચી ગ્રામ પંચાયત ના સરપંચ અનિષાબેન નિલેશભાઈ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૩માં વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા તળાવની પાળ પર પ્રોટેક્શન વોલ બનાવવા માટે રૂ.૧૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં પણ રૂ.૧૨ લાખનું કામ મંજૂર કરાયું હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી પણ પ્રોટેક્શન વોલ અને તળાવ આસપાસનાં વિવિધ કામો માટે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તળાવના વિવિધ કામો ર્ીપાછળ કુલ રૂ. ૭૫,૯૨,૨૧૮નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આમાં પ્રોટેક્શન વોલ, ફેબ્રિકેશન, પેવર બ્લોક, બ્યુટીફિકેશન, નાળાં, ફાઉન્ટેન, સ્ટોરરૂમ અને અન્ય કામોનો સમાવેશ થાય છે.માત્ર તળાવ જ નહીં, પરંતુ ધમડાચી ગામનાં કલ્યાણવાડી, વિવિધ ફળિયાં, પેવર બ્લોક, ગટર, રોડ રિપેરિંગ, હાઈમાસ્ટ ટાવર, તાર ફેન્સિંગ અને અન્ય વિકાસકામો પાછળ પણ રૂ.૪૮,૩૩,૯૨૮નો ખર્ચ મળી કુલ રૂ.૧,૨૪,૨૬,૧૪૬ રૂપિયાનો કર્યો હોવા નો આક્ષેપ કર્યો છે
કામોની વાસ્તવિક સ્થિતિ, મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, બિલો અને ચુકવણીના રેકોર્ડની તપાસ કરવાની સાથે રિયા ઇલેક્ટ્રિકલ્સ તથા વિહા ઍન્ટરપ્રાઇઝ પાસેથી સબમર્સિબલ પંપ મોટર, સ્ટ્રીટલાઇટ, પેનલ બોર્ડ, વાયર, સ્વિચ બોર્ડ સહિતનો સામાન ખરીદવા અને રિપેરિંગ માટે અંદાજે રૂ.૨૫ લાખથી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ખરીદીના બિલોમાં જીઍસટી નંબર ન હોવા અંગે સંબંધિત બિલોની તપાસ કરી જીઍસટી વિભાગને જાણ કરવાની પણ માંગ કરી છે. લેખિત રજૂઆતમાં અરજદાર પ્રવિણભાઈ પટેલે ધમડાચી ગ્રામ પંચાયતના છેલ્લા પાંચ વર્ષના તમામ ખર્ચ,વિકાસકામો, ટેન્ડર પ્રક્રિયા, મંજૂરીઓ, બિલો અને ચુકવણીના રેકોર્ડની તપાસ કરવાની માંગ કરી છે.
