Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

વાપી જીઆઈડીસીમાં મધરાતે દારૂ ભરેલી મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત

વાપી જીઆઈડીસીમાં મધરાતે દારૂ ભરેલી મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં હનુમાનજી મંદિર નજીક ગત રાત્રે મોપેડ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે મોપેડ ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતા ઍટલી હતી કે  વાહનોમાં લઈ જવાતો દારૂનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઍકત્ર થઈ ગયા હતા.

પ્રા વિગત મુજબ દારૂનો જથ્થો લઈને પૂરઝડપે જઈ રહેલા વાહનને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ રસ્તા પર દારૂની બોટલો અને અન્ય જથ્થો વેરવિખેર થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઍક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વાપી જીઆઈડીસી વિસ્તારમાં દારૂનો જથ્થો ખુલ્લેઆમ હેરફેર થતો હોવાની ઘટના દારૂબંધીના અમલ સામે અનેક સવાલો ઊભા કરે છે.ખાસ કરીને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં જીઆઈડીસીના વિવિધ રસ્તાઓની આસપાસ આવેલા ઢાબાઓ અને ચાલીઓમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો પણ ચર્ચામાં છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની જરૂર છે.