Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

ગોઈમામાં જૂની અદાવત અને આડા સંબંધની અફવા બાબતે રીક્ષા ચાલક પર હુમલો

ગોઈમામાં જૂની અદાવત અને આડા સંબંધની અફવા બાબતે રીક્ષા ચાલક પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ પારડી તાલુકાના ગોઈમાગામના માતા ફળિયામાં જમીન મિલકતની જૂની અદાવત અને પત્ની સાથે આડા સંબંધો હોવાની અફવા ફેલાવવાના મુદ્દે ઍક રિક્ષાચાલક પર હુમલો કરવામાં આવ્યો હોય જેમાં યોગેશ છોટુભાઈ કોળી પટેલ નામના શખ્સે તેજલભાઈ ગુલાબભાઈ કોળી પટેલને લોખંડ જેવા ધાતુના પંચ વડે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગોઈમા ગામના માતા ફળિયામાં રહેતા અને છેલ્લા ૧૫ વર્ષથી ઉદવાડા નાનાપોંઢા રોડ પર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૪ વર્ષીય તેજલભાઈ કોળી પટેલ ગુજરાતી સ્કૂલ પાસેથી પોતાના ઘરે જમવા માટે જઈ રહ્ના હતા. તે દરમિયાન બસ સ્ટોપ પાસે બેઠેલા યોગેશભાઈ છોટુભાઈ કોળી પટેલે તેમને અટકાવી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન તેજલભાઈઍ પત્ની સાથે આડા સંબંધોની વાતો ગામમાં ફેલાવી તેમને બદનામ કેમ કરે છે તેવો સવાલ કરતાં યોગેશે ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને લોખંડ જેવા ધાતુના પંચ વડે કપાળના પાછળના ભાગે તથા નીચેના હોઠ પર માર માર્યો હતો. ત્યારબાદ ઢીકમુક્કીનો માર મારી નીચે પાડી દીધા હતા અને ડાબા પગ પર લાતો મારી હતી. બૂમાબૂમ થતાં મિત્ર નયનભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ સમયે આરોપીઍ જતા જતા બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઇજાગ્રસ્ત તેજલભાઈને મિત્ર નીતિનભાઈ મોટરસાઇકલ પર રોહીણા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાત્રે પારડીની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપી કુટુંબનો સભ્ય થાય છે અને વડીલોપાર્જિત જમીનના કબજાને લઈને છેલ્લા દસ વર્ષથી બંને પરિવારો વચ્ચે અદાવત ચાલી રહી છે. ઉપરાંત છેલ્લા ઍક અઠવાડિયાથી આરોપી તેજલભાઈની પત્ની સાથે આડા સંબંધો હોવાની વાતો ગામમાં ફેલાવી તેમને બદનામ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે તેજલભાઈ ગુલાબભાઈ કોળી પટેલે યોગેશભાઈ છોટુભાઈ કોળી પટેલ વિરુદ્ધ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.