Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

ડુંગરામાં રૂ.૩૧.૧૫ કરોડના ૪૫ ઍમઍલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

ડુંગરામાં રૂ.૩૧.૧૫ કરોડના ૪૫ ઍમઍલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે ડુંગરા ખાતે અમૃત-૨.૦ યોજના અંતર્ગત રૂ.૩૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૪૫ ઍમઍલડી ક્ષમતાના આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ કાર્યરત થતાં ડુંગરા, ચણોદ, કરવડ અને સુલપડ વિસ્તારના નાગરિકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી નિયમિત મળી રહેશે.

લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુદ્ધ સરફેસ વોટર પૂરું પાડવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે.

 ડુંગરા ખાતે શરૂ થયેલો ૪૫ ઍમઍલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂર્વ વિસ્તાર અને ચલા સહિતના વિસ્તારોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત મંજૂર થયેલા વધુ ઍક ૪૫ ઍમઍલડી ક્ષમતાના પ્લાન્ટથી આગામી ૨૫ વર્ષ સુધી વાપીમાં પાણીની અછત ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકાના નવા વિસ્તારોમાં પણ માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ચલા અને જીઆઈડીસી વિસ્તારમાં નવા વીજ સબસ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યારે નવા જોડાયેલા વિસ્તારોમાં ઍસટીપી, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે. આગામી ત્રણ વર્ષ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ ટેક્સ વધારો કરવામાં આવશે નહીં. વિકાસનાં કામો માટે સરકાર આગામી પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે જમીન ફાળવશે. ઉપરાંત નેશનલ હાઈવે પર વાપી મહાનગરપાલિકાના નવા ભવનનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રૂ.૩૧.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પાણી પુરવઠા યોજનામાં દમણગંગા નદી પર ઇન્ટેક વેલ, ડુંગરા હેડવર્ક્સ ખાતે ૪૫ ઍમઍલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૨ કરોડ ૧૦ લાખ લિટરની ક્ષમતાવાળો ભૂગર્ભ સંપ તથા ૨૦ લાખ લિટરની ક્ષમતાવાળી પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ સુવિધાઓના માધ્યમથી પાણીનું શુદ્ધિકરણ કરી સંબંધિત વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવશે.

લોકાર્પણ બાદ મંત્રી કનુભાઈ દેસાઈઍ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેની કાર્યપદ્ધતિ, પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા અને ઉપલબ્ધ સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર ઍન.ઍફ. ચૌધરીઍ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે જીઆઈડીસીના ઍન્જિનિયર કે.ડી. પટેલે યોજનાની રૂપરેખા અને ટેકનિકલ વિગતો રજૂ કરી હતી.

આ પાણી ફિલ્ટર પ્લાન્ટ જ્યાં બન્યો છે તે ડુંગરા વિસ્તારમાં વાપી મહા નગરપાલિકાને જમીન આપનાર જીગ્નેશભાઈ દેસાઈ સમીરભાઈ દેસાઈ તેમજ દેસાઈ બંધુઓનું પણ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું

આ લોકાર્પણ પ્રસંગે વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન કૌશિકભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના શિલ્પેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખો, વાપી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ઍજ્યુકેટિવ ઍન્જિનિયર જતીન પટેલ, હાઇડ્રોલિક ઇજનેર સંજય ઝા, કલ્પેશ શાહ, રામચંદ્ર દેસાઈ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્ના હતા.