વંકાસમાં પેવર બ્લોકનો રસ્તો બિસ્માર, બોર પણ બિનઉપયોગી
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકાની વંકાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસનાં નામે કરવામાં આવતા કામોની ગુણવત્તા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્ના છે. ગ્રામજનોની સુવિધા માટે મુખ્ય માર્ગથી ગ્રામ પંચાયત કચેરી તરફ જવા માટે ટૂંકા અંતરમાં પેવર બ્લોકનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય કામગીરીના અભાવે રસ્તાના પેવર બ્લોક ઉખડી જતાં રસ્તાની હાલત બિસ્માર બની છે. બીજી તરફ પંચાયત કચેરીના આંગણામાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી બોર કરવામાં આવ્યો હોવા છતાં તે બિનઉપયોગી સાબિત થઈ રહ્ના હોવાના આક્ષેપો થઈ રહ્ના છે. ગ્રામજનોને સુવિધા આપવાના હેતુથી સરકારી નાણાંનો ખર્ચ કરીને કરવામાં આવેલા કામો થોડા સમયમાં જ બિસ્માર બનતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ગ્રામ પંચાયત કચેરી સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા પેવર બ્લોકના માર્ગની હાલત જોઈને કામની ગુણવત્તા અંગે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લાખો રૂપિયાના વિકાસ કામો પાછળ ખર્ચ કર્યા બાદ પણ જો ગ્રામજનોને પાયાની સુવિધા ન મળે તો આવા કામોનો હેતુ શું તેવો સવાલ પણ ઊઠી રહ્ના છે.
વંકાસ ગ્રામ પંચાયત વિસ્તારના માર્ગોની બંને તરફ જંગલી વનસ્પતિ અને જાડી ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં છે. નિયમિત સફાઈ અને જાળવણીના અભાવે માર્ગોની આસપાસ ગંદકી અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ગ્રામ પંચાયત વિસ્તારની સ્વચ્છતા અને જાહેર સુવિધાઓની જાળવણી બાબતે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. વંકાસ ગ્રામ પંચાયત કચેરી હોવા છતાં ગ્રામજનોને પોતાના સરકારી કામકાજ માટે તુંબ ગ્રામ પંચાયત સુધી દોડવું પડતું હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિર્ધારિત દિવસે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર રહેતા ન હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. જો ગ્રામ પંચાયત કચેરી હોવા છતાં ગ્રામજનોને પોતાના કામ માટે અન્યત્ર જવું પડતું હોય તો સ્થાનિક વહીવટી વ્યવસ્થાની ઉપયોગિતા સામે પણ સવાલો ઊભા થાય છે. વંકાસ ગ્રામ પંચાયતના વિકાસ કામોની ગુણવત્તા, બિનઉપયોગી બોર, સફાઈની સ્થિતિ તેમજ તલાટી કમ મંત્રીની હાજરી સહિતના મુદ્દાઓને લઈને હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઊઠી રહી છે. વિકાસ કામો પાછળ થયેલા ખર્ચની સામે સ્થળ પર ખરેખર કેટલી સુવિધા ઉપલબ્ધ થઈ છે તેની તટસ્થ તપાસ થાય અને જો કામગીરીમાં બેદરકારી કે ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. હવે જોવાનું ઍ રહેશે કે વંકાસ ગ્રામ પંચાયતની આ સમસ્યાઓ અંગે તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તંત્ર કેટલા ગંભીર બને છે અને સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ સાથે ગ્રામજનોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ક્યારે નક્કર પગલાં ભરવામાં આવે છે.
