વલસાડ પાલિકાના ‘અોપરેશન પૂતળા’ થી વેપારીઅોમાં ફફડાટ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ શહેરના રસ્તા પર વારંવાર ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બનતા વલસાડના જિલ્લા કલેકટરની કડક સુચનાથી વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મૂકવામાં આવતી ખાણીપીણીની લારી-દુકાન બહાર મૂકવામાં આવેલ પૂતળા સહિત નીચે પથારો નાખી ચીજ વસ્તુઓ વેચનારા ઉપર નગરપાલિકાના ટ્રાફિક વિભાગ દ્વારા ચીજ-વસ્તુઓ ઉચકતા નાના-મોટા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. વલસાડ શહેરના, સ્ટેડિયમ રોડ, બેચર રોડ, ઍમ. જી. રોડ, ભીડભંજન મહાદેવ મંદિર રોડ, નાના ખત્રીવાડ આઝાદ ચોક, હાલર ચાર રસ્તા, તિથલ રોડ સહિતના વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને પગલે વલસાડ નગરપાલિકા દ્વારા આજે આક્રમક રીતે ‘દબાણ હટાવો ઝુંબેશ’ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વલસાડ જિલ્લા કલેકટરની કડક સુચનાથી વલસાડ નગરપાલિકા ની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી વલસાડ શહેરના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને શહેરના સ્ટેડિયમ રોડ અને ઍમ.જી. રોડ, આઝાદ ચોક વિસ્તાર માં ખરીદી માટેના મુખ્ય કેન્દ્રો છે. અહીં કાપડ અને તૈયાર કપડાના અનેક શો-રૂમ્સ આવેલા છે. ઘણા વેપારીઓ પોતાની દુકાનનું ડિસ્પ્લે વધારવા માટે રસ્તા સુધી પૂતળા ઉભા રાખતા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગેની ફરિયાદો ઉઠતા પાલિકા તંત્ર ઍક્શનમાં આવ્યું હતું.
આજે સવારથી જ નગરપાલિકાની દબાણ હટાવો શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે બંને માર્ગો પર ત્રાટકી હતી. ટીમે રસ્તા પર અડચણરૂપ બનેલા પૂતળા અને અન્ય સામાનને સીધો ટ્રેક્ટરમાં ભરી જ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પાલિકાની આ આકસ્મિક કાર્યવાહીને પગલે અન્ય દુકાનદારોઍ ફટાફટ પોતાના પૂતળા અને બોર્ડ દુકાનની અંદર ખેંચી લીધા હતા.
નગરપાલિકાની આ કડક કાર્યવાહીને કારણે સ્ટેડિયમ રોડ અને ઍમ.જી. રોડના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગાઉ અનેકવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં દબાણ ન હટતા છેવટે પાલિકાઍ આ કડક વલણ અપનાવતા વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
