ગણદેવી પાલિકાના વર્ષોથી ફરજ બજાવતા હંગામી સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૫ ઃ ગણદેવી નગરપાલિકામાં છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી પણ વધુ સમયથી સતત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હંગામી સફાઈ કામદારોને કાયમી કર્મચારીનો દરજ્જો આપવા બાબતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને વાલ્મીકિ સમાજના પ્રમુખ યોગેશભાઈ ઠાકોરભાઈ નિયારણ દ્વારા ગણદેવી નગરપાલિકાના મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવામાં સફાઈ કામદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ છતાં, દોઢ દાયકા જેટલા લાંબા સમયથી ઍક જ પ્રકારની કામગીરી જવાબદારીપૂર્વક બજાવતા કામદારોને આજદિન સુધી નોકરીની કાયમી સુરક્ષા મળી નથી અને તેઓ હંગામી ધોરણે જ કામ કરી રહ્ના છે. વધુમાં રજૂઆતમાં ઍવો પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે, અગાઉ ૧૦ સફાઈ કામદારોને કાયમી (પરમેનેન્ટ) કરવાના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને ૫ વર્ષ પૂર્ણ થયા બાદ તેમને ૧ મહિનાનો પગાર પણ કાયમી ધોરણે ચૂકવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરીથી આ કામદારોને હંગામી ધોરણે પગાર ચૂકવવામાં આવી રહ્ના છે, જે અંગે યોગ્ય ખુલાસો કરવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆત અંતર્ગત તમામ હંગામી સફાઈ કામદારોની સેવા અને નોકરીની વિગતો, ભરતી, હાજરી રજિસ્ટર અને પગાર સંબંધિત તમામ રેકોર્ડની તપાસ કરવા તેમજ ૧૦ થી ૧૫ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા કામદારોને સરકારી નિયમો મુજબ કાયમી કરવા માટે યોગ્ય દરખાસ્ત તૈયાર કરી સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરવા માંગણી કરાઈ છે. અંતમાં, આ રજૂઆત કોઈ વ્યક્તિ કે તંત્ર વિરુદ્ધ નહીં પરંતુ વર્ષોથી મહેનત કરતા કામદારોને ન્યાય અપાવવાના હેતુથી કરાઈ હોવાનું જણાવી, આગામી ૧૫ દિવસની અંદર આ બાબતે યોગ્ય તપાસ કરી લેખિતમાં જવાબ આપવા ચીફ ઓફિસરને વિનંતી કરવામાં આવી છે.
