Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાપીને ડિસેમ્બરમાં બે મોટી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે

વાપીને ડિસેમ્બરમાં બે મોટી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ વાપી જીઆઈડીસીના જે-ટાઈપ વિસ્તારમાં રૂ. ૫૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી ૧૫ ડિસેમ્બરે આ ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. જ્યારે જૂના રેલવે ફાટક પાસે નિર્માણ પામી રહેલો નવો અંડરબ્રિજ ૩૧ ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવશે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈઍ વાપીમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહ દરમિયાન આ જાહેરાત કરી હતી.

જે-ટાઈપ ઓવરબ્રિજ શરૂ થતાં નેશનલ હાઈવે નં. ૪૮ પરથી વાપી જીઆઈડીસીના જે-ટાઈપ થઈ નામધા રિંગરોડ મારફતે વાપી ટાઉન તેમજ સંઘપ્રદેશ દમણ તરફની અવરજવર સરળ બનશે. બીજી તરફ જૂના રેલવે ફાટક પાસે અંડરબ્રિજ શરૂ થતાં પૂર્વ અને પડ્ઢિમ વિસ્તાર વચ્ચે અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનચાલકોને પણ મોટી રાહત મળશે. હાલમાં ઓવરબ્રિજના જે-ટાઈપ તરફ ઍક અને રિંગરોડ તરફ બે આર.સી.સી. બ્લોક બનાવવાની કામગીરી બાકી છે. જે ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. બ્રિજ પરના માર્ગનું કામ તેમજ રિંગરોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે બ્રિજની નીચે સર્વિસ રોડ બનાવવાની કામગીરી પી.ડબ્લ્યુ.ડી. વિભાગ દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વાપી ટાઉનમાં ભારે વાહનો સહિત અન્ય વાહનોના વધતા ટ્રાફિકને કારણે સર્જાતી સમસ્યામાં આ બંને પ્રોજેક્ટ શરૂ થયા બાદ નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. ખાસ કરીને નેશનલ હાઈવે નં. ૪૮ પરથી સીધા ઓવરબ્રિજ મારફતે રિંગરોડ થઈ વાપી ટાઉન અને દમણના ઔદ્યોગિક તથા શહેરી વિસ્તારોમાં જતાં વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે. લાંબા સમયથી આ બંને પ્રોજેક્ટની રાહ જોઈ રહેલા સ્થાનિકો અને વાહન ચાલકો માટે ડિસેમ્બરમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ ખુલ્લા મૂકવાની જાહેરાત કરવામાં આવતા લોકો માટે મોટી રાહત થશે.