વાપીના ગુરુદ્વારામાં ૫૫૭મો પ્રકાશ પર્વ ઉજવાયું
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીના ગુરુદ્વારા સાહિબ ખાતે શીખ ધર્મના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનો ૫૫૭મો પ્રકાશ પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે ગુરુદ્વારા સાહિબમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.વાપીના સેલવાસ રોડ ઉપર ચણોદ ખાતે આવેલ ગુરુદ્વારા અને પવન ખાતે આજે પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે અખંડ પાઠ સાહિબ, ભવ્ય નગર કીર્તન અને ગુરબાણી કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ સમાજસેવાના ઉમદા હેતુથી રક્તદાન શિબિર અને નેત્ર તપાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપી, દમણ, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાયના લોકો તેમજ વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓઍ ગુરુ કા લંગરનો લાભ લઈ ગુરુ નાનક દેવજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ગુરુ નાનક દેવજીના નામ જપો, કિરત કરો અને વંડ છકોના અમૂલ્ય સંદેશને આત્મસાત કરતાં સમગ્ર કાર્યક્રમમાં માનવતા, સમાનતા, ભાઈચારો અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ધાર્મિક આસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિઓના સમન્વયથી પ્રકાશ પર્વની ઉજવણી યાદગાર બની હતી.
