Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાંસદા પંથકમાં દીપડાના વધતા હુમલાથી ચિંતા

વાંસદા પંથકમાં દીપડાના વધતા હુમલાથી ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૨૪ ઃ વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે દીપડાના હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત બનવાની ઘટનાને પગલે વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભા દંડક ધવલભાઈ પટેલે કામગીરીની વ્યસ્તતા વચ્ચે સમય કાઢી વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે દોડી જઈ બાળકીના ખબરઅંતર પૂછ્યાં હતાં. હોસ્પિટલના તબીબો સાથે મુલાકાત કરી બાળકીની સારવાર અંગેની વિગતો મેળવી હતી અને તેને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી બાળકી માટે સ્કૂલ બેગ, કપડાં, પુસ્તકો, જમવાનું તેમજ જીવનજરૂરિયાતની સામગ્રી અર્પણ કરી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.વાંસદા તાલુકામાં છેલ્લા સમયથી દીપડાના હુમલાઓની વધતી ઘટનાઓ અને દીપડાઓની સંખ્યામાં થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી દીપડાઓની વધતી ગતિવિધિઓ અને માનવ વસાહતોમાં દીપડાઓની અવરજવર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ સમસ્યાના નિવારણ માટે વનવિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.વાંસદા તાલુકામાં દીપડાના હુમલાઓની ગંભીરતાને ધ્યાને લઈ સાંસદ ધવલભાઈ પટેલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પ્રવીણભાઈ માળી સાથે પણ ચર્ચા કરી હતી. તાલુકામાં દીપડાઓના વધતા હુમલાઓથી તેમને અવગત કરાવી આવનારા દિવસોમાં ટેકનિકલ પદ્ધતિથી દીપડાઓની ગતિવિધિઓ પર સતત નજર રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.દીપડાઓની અવરજવર અને સંભવિત માર્ગો ઓળખી તે સ્થળોઍ પાંજરાં ગોઠવવા, દીપડાઓને સુરક્ષિત રીતે પકડી ગાઢ જંગલ વિસ્તારમાં મુક્ત કરવા તેમજ રહેણાક વિસ્તારોમાં દીપડાઓની અવરજવર અટકાવી શકાય તેવી વ્યવસ્થિત યોજના તૈયાર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. વાંસદા તાલુકામાં માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ અટકે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો, ખાસ કરીને બાળકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે વનવિભાગ સાથે સંકલન કરીને જરૂરી પગલાં ભરવાની દિશામાં આ બેઠક મહત્ત્વપૂર્ણ બની રહી છે.