Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

ગણદેવીના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ

ગણદેવીના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૯ ઃ  ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી નવસારી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. મેંધર ગામથી ભાટ ગામ સુધીના દરિયાકાંઠે સુરક્ષા જવાનોઍ ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ હિલચાલ અને વસ્તુઓની ઝીણવટભરી તપાસ કરી હતી. દરિયાઈ માર્ગે થતી દાણચોરી, કેફી પદાર્થોની હેરાફેરી, ડ્રગ્સની તસ્કરી તેમજ સંભવિત આતંકી પ્રવૃત્તિઓને અટકાવવાના આશયથી આ વિશેષ સુરક્ષા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઍ.ટી.ઍસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઍ.ઍમ. મુનિયા તથા પોલીસ અધિક્ષક ઍસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે બુધવાર, તા. ૧૮ નવેમ્બરના રોજ નવસારી મરીન સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની ટીમોઍ મેંધર ગામથી ફિશ લેન્ડિંગ સેન્ટર તરીકે જાણીતા ભાટ ગામ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન દરિયાકિનારાની અવાવરું જગ્યાઓ, ઝાડી-ઝાંખરાં, કિનારે લાંગરેલી બોટો, શંકાસ્પદ બેગ તેમજ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ન થાય અને કાયદો-વ્યવસ્થાની સાથે દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે હેતુથી સુરક્ષા દળો દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.