Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

ગુજરાતમાં સૌપ્રથમ આંતલીયામાં ‘કોમ્યુનિટી મિડિઍશન સેન્ટર’નો પ્રારંભ

ગુજરાતમાં સૌપ્રથમ આંતલીયામાં ‘કોમ્યુનિટી મિડિઍશન સેન્ટર’નો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૬ ઃ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઝડપી, સરળ અને સુલભ ન્યાય મળી રહે તેમજ નાના-મોટા વિવાદોનું સ્થાનિક સ્તરે જ સમાધાન થાય તેવા લોકહિતના હેતુથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સોમવાર સવારે ગણદેવી તાલુકાના આંતલીયા ગામેથી ‘કોમ્યુનિટી મિડિઍશન સેન્ટર’નો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વિવેદીની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયતનાં પ્રમુખ પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ મહેશ હળપતિ, કારોબારી ચેરમેન પાર્થિવ નાયક, આંતલીયા ગ્રામ પંચાયતનાં સરપંચ સુમિત્રાબેન પટેલ, જયેશ પટેલ, વિજય પટેલ, ભગુભાઈ પટેલ, ઉર્વશી પાટીલ, દેવસર ગ્રામ પંચાયતનાં સરપંચ ચેતનાબેન તથા ધકવાડા ગ્રામ પંચાયતનાં સરપંચ નમ્રતાબેન પટેલ, પીઆઈ કે ઍન સોલંકી, પરીમલ પટેલ ઉપસ્થિત રહ્નાં હતાં.

આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા નવસારી જિલ્લામાં મધ્યસ્થી તરીકે સેવા આપવા ખાસ તાલીમબદ્ધ અને નિયુક્ત કરાયેલા પૂર્વ મામલતદાર વિજયભાઈ શાને, મયંકભાઈ ત્રિવેદી, માધુરીબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઊભા થતા જમીન દબાણ, મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો, છૂટાછેડા સંબંધિત વિવાદો તેમજ સામાજિક તકરારોનું પરસ્પર સંવાદ અને સમજૂતી દ્વારા સ્થાનિક સ્તરે નિરાકરણ લાવવાનો છે. જોકે, સમાધાનને પાત્ર હોય તેવા વિવાદોનો જ કાયદાકીય જોગવાઈ મુજબ નિકાલ કરવામાં આવશે. આ પ્રસંગે નિયુક્ત મધ્યસ્થી વિજયભાઈ શાનેઍ જાહેર જનતાને આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અને આ પહેલને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.

    ગુજરાતમાં પ્રથમ વખત આંતલીયા ગામેથી શરૂ થયેલી આ પહેલ ગ્રામ્ય ન્યાય વ્યવસ્થાને વધુ લોકાભિમુખ બનાવવાની દિશામાં મહત્વનું પગલું બની છે. આગામી સમયમાં આ મોડેલ રાજ્યનાં અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.