Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

અવધ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કુદરતી ખાડી-નહેર પૂરી દેવાઈ!?

અવધ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કુદરતી ખાડી-નહેર પૂરી દેવાઈ!?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ તિઘરા અને ઓરવાડ ગામ વચ્ચે આવેલી કુદરતી ખાડી અને તેની સાથે જોડાયેલી દમણગંગા નહેરને બિનઅધિકૃત રીતે પૂરી દેવા બાબતે અોરવાડ (આર.ઍસ.)ના ઍક નાગરિકની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે નાયબ કલેક્ટર, પારડી કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારીની કચેરી દ્વારા ફરિયાદીને ઍડીઍમ/આરજી/વશી/૨૦૨૬ના પત્રક્રમાંકથી જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.ઓરવાડના આનંદ નગર, ઉદવાડા (આરઍસ) ખાતે રહેતા  રૂપેશ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીના કાર્યાલયમાં વેબ પેજ પર પણ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત નાયબ કલેક્ટર (જનસંપર્ક) ગાંધીનગર મારફતે પારડી કચેરીને મળી હતી. જેના અનુસંધાને મામલતદાર પારડી અને ના.કા.ઈ. દમણગંગા નહેર પેટા વિભાગ નં.૧૧ પારડી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ, મોજે-ઓરવાડ/તિઘરા, તા.પારડી ગામમાંથી દમણગંગા કચેરી હસ્તકની ઉદવાડા વિશાખા નહેરની ૯-ઍલ માઈનોર નહેર પસાર થાય છે.

સ્થળ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું કે, અવધ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, મુ.પો. ઓરવાડ/તિઘરા દ્વારા સદર નહેરની સાંકળ આશરે ૪૨૬૦.૦૦ મીટરથી સાંકળ ૪૪૦૦.૦૦ મીટર સુધીની (કુલ લંબાઈ ૧૪૦ મીટર) લંબાઈમાં નહેરને પાઈપ-લાઈનમાં તબદીલ કરવામાં આવેલ છે.

આ બાબતે અવધ ઈન્ડસ્ટ્રીયલ પાર્કને નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ નાયબ કાર્યપાલક ઈજનેર, દમણગંગા નહેર પેટા વિભાગ નં.૧૧ પારડી દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું નાયબ કલેક્ટર પારડીના તા.૦૭-૧૧-૨૦૨૬ના પત્રમાં જણાવાયું છે.