વલસાડ પંથકમાં જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ ઉજવાઈ
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વીરપુરવાળા સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જલારામ બાપાના મંદિરો અને વિવિધ મંડળો દ્વારા બાપાની પ્રતિમાનું સ્થાપન કરી વિશેષ પૂજા-અર્ચના, આરતી અને થાળનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેનો હજારોની સંખ્યામાં જલા ભક્તોઍ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વલસાડ શહેરના મુખ્ય જલારામ બાપા મંદિર ઉપરાંત વલસાડ તાલુકાના પાથરી બિનવાડા ફલધરા, સરોધી સહિતના અન્ય ગામોમાં પણ ગ્રામજનો અને સેવાભાવી મંડળો દ્વારા જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા અને ‘જય જલારામ’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પાવન અવસરે શહેરના રામરોટી ચોક ખાતે ભજનની રમઝટની સાથે વિશાળ મહાપ્રસાદના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેર અને ગામડાઓમાં ઠેર-ઠેર મહાપ્રસાદનું આયોજન થતાં હજારો ભાવિક ભક્તોઍ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. દિવસભરના ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રિના સમયે ભજન અને ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
