ધરમપુરમાં ત્રણ સ્થળેથી બે અજગર અને ઝેરી કામળિયા સાપનું રેસ્ક્યૂ કરાયું
- byDamanganga Times
- 10 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર તાલુકાના બીલપુડી, ફૂલવાડી અને બરુમાળ વિસ્તારમાં વન્યજીવો માનવ વસાહત અને ખેતરમાં જોવા મળતાં વનવિભાગ તથા વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારીના ધરમપુર વિભાગ દ્વારા ત્રણ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
બીલપુડીના બીલપુડી ડેરી ફળિયામાં લક્ષ્મણભાઈ રાયુભાઈ થોરાતના ખેતરમાં ભાતની કાપણી દરમિયાન ભાતમાં સંતાયેલો અજગર જોવા મળ્યો હતો. જ્યારે ફૂલવાડીના ખોરી ફળિયામાં ઝવેરભાઈ છગનભાઈ પટેલના ઘરે મરઘાંના શિકાર માટે આવેલો અજગર જોવા મળતાં રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. તેવી જ રીતે બરુમાળ સદગુરુધામ નજીક જીતુભાઈ ભીખુભાઈ ગામતાના ઘરના આંગણે હિમોટોક્સિન ઝેર ધરાવતો ઝેરી કામળિયો (રસેલ્સ વાઇપર) સાપ જોવા મળતાં તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્રણેય બનાવોમાં વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારીના ધરમપુર વિભાગના રેસ્ક્યૂઅર મુકેશભાઈ વાયાડ તથા મંગુભાઈ પાડવી દ્વારા ધરમપુર વનવિભાગને જાણ કરી સાપનું સહીસલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ બાદ અજગરને માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતાં.
