Damanganga Times.

Damanganga Times.

November 09, 2026

વાપીના બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી, ઉદ્યોગનગરના રસ્તાઓ સુમસામ થયા

વાપીના બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી, ઉદ્યોગનગરના રસ્તાઓ સુમસામ થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપી પંથકમાં દિવાળીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ઉદ્યોગોમાં જાહેર રજા હોવાના કારણે વાપી ઉદ્યોગનગરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા, જ્યારે બીજી તરફ વાપી શહેરના મુખ્ય બજાર, ગુંજન અને છીરી વિસ્તારનાં બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પ્રા વિગતો મુજબ, વાપી જીઆઈડીસીમાં કેમિકલ, પ્લાસ્ટિક, પેપર મિલ, ઍન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ સહિતની ૪,૦૦૦થી વધુ કંપનીઓ આવેલી છે. દિવાળીના તહેવાર નિમિત્તે આ કંપનીઓમાં કામદારોને જાહેર રજા આપવામાં આવતા ઔદ્યોગિક વિસ્તારના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર વાહનવ્યવહાર નહિવત્ જોવા મળ્યો હતો.

જ્યારે બીજી તરફ વાપી ટાઉનના મુખ્ય બજાર ઉપરાંત ગુંજન અને છીરી ગામના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં ઘરવપરાશની ચીજવસ્તુઓ, કપડાં, ફટાકડા અને શાકભાજીની ખરીદી માટે મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો સાથે લોકો નીકળ્યા હતા. પરિણામે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ખરીદી માટે લોકોની અવરજવર વધતા કેટલાક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આમ, દિવાળીના પર્વે ઍક તરફ ઉદ્યોગનગરમાં શાંતિ અને સુમસામ માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ શહેરનાં બજારોમાં તહેવારની રોનક અને ખરીદીનો માહોલ છવાયો હતો.