વાપીમાં તહેવારને પગલે ગલગોટાના ભાવ બમણા
- byDamanganga Times
- 09 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી પંથકમાં દિવાળીના તહેવારને પગલે ફૂલોની માંગમાં વધારો થતાં ગલગોટાના ફૂલના ભાવમાં સીધો બમણો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં રૂ. ૫૦ પ્રતિ કિલોના ભાવે મળતા ગલગોટાના ફૂલ આજે દિવાળીના દિવસે રૂ. ૧૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.
દિવાળી પર્વ તેમજ આવતીકાલથી શરૂ થતા નૂતન વર્ષને ધ્યાને રાખીને લોકો પોતાના ઘરો, મંદિરો અને વાહનોને ફૂલોના હારથી શણગારતા હોય છે. જેને પગલે વાપીમાં વહેલી સવારથી જ ફૂલોની ખરીદી માટે લોકોની અવરજવર જોવા મળી હતી. ગલગોટાના ફૂલ ઉપરાંત તૈયાર કરેલા ફૂલોના હાર પણ રૂ. ૮૦થી ૧૫૦ સુધીના ભાવે વેચાયા હતા.
ફૂલોના ભાવમાં થયેલા વધારા અંગે વેપારીઓના જણાવ્યા મુજબ, ગલગોટાના ફૂલ મહારાષ્ટ્રના નાસિક સહિત અન્ય વિસ્તારોમાંથી વાપીમાં લાવવામાં આવે છે. તહેવારો દરમિયાન માંગ વધવા ઉપરાંત પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે આ વર્ષે ફૂલોના ભાવમાં ઉછાળો આવ્યો છે. આમ, દિવાળીના પર્વે ફૂલોની વધેલી માંગ વચ્ચે ગ્રાહકોઍ બમણા ભાવે ગલગોટાના ફૂલની ખરીદી કરવી પડી હતી.
