Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

વલસાડ જિલ્લામાં દિવાળીના દિવસે ફરતા મેરાયાની પરંપરા આજે જીવંત

વલસાડ જિલ્લામાં  દિવાળીના દિવસે ફરતા મેરાયાની પરંપરા આજે જીવંત


(મનોજ ભંડારી દ્વારા)

વાપી, તા. ૦૬ ઃ દિવાળી ઍટલે પ્રકાશનો પર્વ. ભગવાન શ્રી રામ વનવાસ બાદ અયોધ્યા નગરીમાં પરત ફર્યા ત્યારે અયોધ્યામાં લોકો ઘરે ઘરે દીવા પ્રગટાવી શ્રી રામના આગમનની ઉજવણી કરી હતી. 

ત્યારથી આજે પણ દિવાળીના દિવસે ઘરે-ઘરે દીવા પ્રગટાવવાની પરંપરા છે. આ સાથે અન્ય અનેક પરંપરાઓ પણ છે. દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લા ના અનેક ગામડાઓમાં આ પરંપરા આજે જીવંત છે. જ્યારે ક્યાંક આ પરંપરા લુ પણ થઇ રહી છે. આવી જ ઍક પરંપરા છે મેરાયા. દિવાળીના દિવસે મેરાયું કરવાની પરંપરા છે. આ મેરાયું શેરડીના સાઠામાંથી કે ઢીઢણના લાકડા માંથી તૈયાર કરવામાં આવે છે. જેને

મેરાયું કહેવાય છે ઍ મશાલ જેવું હોય છે. જે દિવાળીના દિવસે બનાવવામાં આવે છે. લાકડાને  ચીરવામાં આવે છે. તેની વચ્ચે કોળિયું મૂકી તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે. અને ઘરના નાના બાળકો આ મેરાયુ લઈને ઘરે ઘરે ફરે છે અને મેરાયોમાં તેલ પુરાવે છે તેમજ તેઓને ફળિયામાંથી તથા ઘરના મોભીઓ યથાશક્તિ મુજબ રોકડા રૂપિયા પણ આપે છે

અનેક ગામોમાં દિવાળીના દિવસે નવોઢા સ્ત્રી અને આ વર્ષે જન્મેલા બાળકોને લઈને પાંચ ઘરે મેરાયું લઈને તેલ પુરાવવા જવાનો રીવાજ પ્રચલિત છે. જ્યારે મેરાયું ઘરના ઢોરના વાળમાં બતાવવામાં આવે છે. જેથી માલ ઢોર અને બકરી તેમજ મરઘીઓને રોગચાળો ન થાય તેવી માન્યતા પણ છે.

બીજી અન્ય ઍક માન્યતા ઍવી છે કે, મેરાયાની જલતી જ્યોતિ પર ઘરની મહિલાઓ તાંસળી રાખી, મેશ પાડી છોકરાઓની આંખમાં આંજવાથી આંખનું તેજ વધે છે. તેવી પણ માન્યતા છે.

જન્મેલા બાળકનો દીપક સતત ઝળહળતો રહે, તે દીર્ઘ આયુષ્યનો થાય, ઘરનો કુળ દીપક બંને તેવી આશા સાથે મેરાયું લઈને ઘરે-ઘરે જવાની પરંપરા ગ્રામ્ય સંસ્કૃતિમાં આંશિક રીતે પ્રવર્તે છે.