Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

નવસારી અને ડાંગના યુવા કોંગ્રેસ પ્રમુખો સસ્પેન્ડ

નવસારી અને ડાંગના યુવા કોંગ્રેસ પ્રમુખો સસ્પેન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ દિલ્હીમાં ગત નવેમ્બરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત ‘વોટ બચાવો મહારેલી’માં ગેરહાજર રહેવું દક્ષિણ ગુજરાતના નવસારીના પુરવ તલાવિયા અને ડાંગ જિલ્લાના તુષાર કામડી યુવા કોંગ્રેસ પ્રમુખોને ભારે પડ્યું છે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા શિસ્તભંગ બદલ બંને જિલ્લાના પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા પક્ષના આદેશની અવગણના કરનારા અને સંગઠનાત્મક કામગીરીમાં નિષ્ક્રિય રહેનારા હોદ્દેદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમા રાજ્યના ૨૪ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખો સહિત ૪૯થી વધુ હોદ્દેદારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ જવાબ મંગાવવામાં આવ્યો હતો અને કેટલાક યુવા ગેરહાજર રહેલા નેતાઓઍ પોતાના જેન્યુન રિપોર્ટ રજૂ કર્યો હતો અને કેટલાકે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો તેને તપાસ બાદ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ અને સંગઠન દ્વારા ચર્ચા વિચારણા કર્યા બાદ આજે સસ્પેન્ડશનનો કોરડો વિજવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગના યુવા કોંગ્રેસ પ્રમુખોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજાયેલી મહારેલીમાં દમણ-દીવ, દાદરા અને નગર હવેલી તથા વલસાડના કોંગ્રેસી કાર્યકરોની હાજરી જોવા મળી હતી. આ કાર્યવાહીથી પક્ષમાં માત્ર હોદ્દો ધરાવીને સંગઠનના ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી નહીં કરનારા તેમજ પક્ષના આદેશોનું પાલન નહીં કરનારા હોદ્દેદારોમાં ચિંતા જોવા મળી રહી છે.