બીલીમોરામાં જરૂરીયાતમંદ બાળકોને જરૂરી ચીજવસ્તુઅો અર્પણ કરાઈ
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૪ ઃ દિવાળી ઍટલે માત્ર પોતાના ઘરને રોશનીથી શણગારવું નહીં, પરંતુ કોઈના અંધકારમય જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો. આ સંકલ્પને ચરિતાર્થ કરતાં બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજ સમક્ષ સામાજિક સમરસતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા પવિત્ર દીપોત્સવ પર્વ અગાઉ સોમવાર સવારે શહેરના જરૂરિયાતમંદ અને નિરાધાર ૩૦ બાળકોને સ્નેહભરી ભેટો અર્પણ કરી તેમના તહેવારને યાદગાર બનાવવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ૩૦ બાળકોને ઉત્તમ ગુણવત્તાના નવાં વસ્ત્રો (બ્રાન્ડેડ કપડાં), સ્વાદિષ્ટ મીઠાઈ ભરેલું બોક્સ, ફટાકડા અને પ્રોત્સાહનરૂપે રોકડ ભેટ આપવામાં આવી હતી. હાથમાં ફટાકડા અને નવાં કપડાં જોતાં જ બાળકોના નિર્દોષ ચહેરા પર જે અસીમ આનંદ અને સ્મિત છલકાયા હતા, તેણે ઉપસ્થિત સૌ કોઈના હૃદયને સ્પર્શી લીધાં હતાં. આ પ્રસંગે ટ્રસ્ટના સંચાલકોઍ જણાવ્યું હતું કે, દિવાળી ઍ આનંદ, ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ છે. સાચો ઉત્સવ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે સમાજના છેવાડાના વર્ગ અને વંચિત બાળકો સુધી પણ આ તહેવારની ખુશી પહોંચે. આપણી સંસ્કૃતિ પરોપકાર અને વહેંચણીની છે; તેથી આ નાનકડો પ્રયાસ, ઍવા પરિવારો માટે છે જેઓ આર્થિક સંકડામણને કારણે ઉત્સવના આનંદથી વંચિત ન રહી જાય. સોમનાથ મંદિર ટ્રસ્ટની આ સંવેદનશીલ પહેલને નગરજનો અને સ્થાનિક અગ્રણીઓઍ હૃદયપૂર્વક બિરદાવી હતી. સમાજના ધાર્મિક સ્થાનો માત્ર પૂજા-અર્ચના પૂરતા સીમિત ન રહેતાં જ્યારે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે, ત્યારે સમગ્ર સમાજમાં સેવા અને કરુણાની પ્રેરણાદાયી લહેર ફેલાય છે. બાળકોનો ઉત્સાહ વધારવા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ દેવચંદભાઈ પટેલ, મંત્રી પંકજભાઈ મોદી, નીતિનચંદ્ર ગાંધી, જગદીશભાઈ મહેતા, તેમજ કરસન પટેલ, નિકિતાબેન પટેલ, દીપકભાઈ ગાંધી, મુકેશભાઈ પટેલ ઍ સક્રિય સેવા આપી હતી.
