વાપી સ્ટેશને પ્લેટફોર્મ ટિકીટોનું વેચાણ અટકાવાયું
- byDamanganga Times
- 03 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાને રાખીને વાપી રેલવે સ્ટેશન પર તારીખ ૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવા રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વાપી તેમજ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં કામદારો અને ઉદ્યોગકારો દેશ ના દરેક રાજ્ય માંથી અહીં વસવાટ કરે છે. દિવાળીના તહેવારની ઉજવણી માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ટ્રેનનો સહારો લેતા હોય છે. પરિણામે વાપી રેલવે સ્ટેશન પર રોકાતી મોટાભાગની ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે.
આ ઉપરાંત મુસાફરોને વિદાય આપવા આવતા સગા-સંબંધીઓ અને અન્ય લોકોના કારણે પ્લેટફોર્મ પર ભીડમાં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જાળવવાના હેતુથી રેલવે વિભાગે ૧૫ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સાથે જ પ્લેટફોર્મ પર માન્ય ટિકિટ વિના પ્રવેશ કરી બિનજરૂરી રીતે ફરતા લોકો સામે પણ રેલવે વિભાગે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
