Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

આજે વાપીમાં મીની સિવિલનું લોકાર્પણ

આજે વાપીમાં મીની સિવિલનું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત વાપીની ૧૫૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા. ૦૩ નવેમ્બર ના રોજ બપોરે ૧ કલાકે લોકાર્પણ કરાશે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.  આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબ શિક્ષણ, (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાની ગરીમામય ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે વાપી મહાનગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ અને વલસાડ ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.  બપોરે ૨ કલાકે વાપીના વીઆઈઍ ખાતે કનુ દેસાઈ ઓડીટોરિયમમાં વલસાડ જિલ્લામાં કુલ રૂ. ૪૪૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે.
જેમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ જિલ્લાના સર્વે ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.