Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

વલસાડમાં જળદેવી મંદિરથી આંધિયાવાડ સુધી સફાઈ કરાઈ

વલસાડમાં જળદેવી મંદિરથી આંધિયાવાડ સુધી સફાઈ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દ્વારા શહેરના લુહાર ટેકરા વિસ્તારમાં આવેલા જળદેવી મંદિરથી આંધિયાવાડ સુધીના મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીનો પ્રચાર-પ્રસાર કરતી માહિતી ખાતાની ટીમે હાથમાં ઝાડુ ઉપાડી સફાઈ અભિયાનના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો. નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાના નેતૃત્વ હેઠળ માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓઍ પાલિકાની સફાઈ ટીમના સહયોગથી સફાઈ કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો.
સફાઈ અભિયાન દરમિયાન શહીદ ચોક વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ દ્વારા રોજબરોજ થતી ગંદકી અંગે દુકાનદારો, વેપારીઓ અને લારીગલ્લા વાળાને જાહેર સ્થળોઍ ગંદકી ન ફેલાવવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજણ આપી હતી. સવારે બે કલાક દરમિયાન હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં જળદેવી માતા મંદિરથી આંધિયાવાડ સુધીના મુખ્ય માર્ગને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.