વલસાડ જિલ્લામાં ૨૦૫ કિ.મી.ના રૂટની સફાઈ કરાઈ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવા કલેકટર નિતિન સાંગવાનના વડપણ હેઠળ વિશેષ સન્ડે સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. દર માસના પ્રથમ રવિવારે અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય છે. આજે તા.૧/૧૧/૨૦૨૬ના રવિવારે જિલ્લાની ૧૯૦થી વધુ કચેરીઓના તમામ અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વલસાડના સંકલ્પ સાથે જિલ્લાના વિવિધ સ્થળોઍ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાનના સ્વચ્છતા અભિયાનમાં જિલ્લાના મહત્તમ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નાનું સ્વચ્છ અને સુંદર ભારતના નિર્માણમાં આપણો વલસાડ જિલ્લો પાછળ ન રહી જાય તે માટે જિલ્લા કલેકટર નિતિન સાંગવાનના નેતૃત્વ હેઠળ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ૧૯૦ ટીમ જિલ્લાના વિવિધ ૧૯૦ રૂટ પર સફાઈ અભિયાનમાં જોડાઈ હતી અને મહત્તમ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરી નાગરિકોને પણ પોતાના આસપાસના વિસ્તારોની સફાઈ રાખવા માટે જાગૃત કર્યા હતા. આ સફાઈ અભિયાનમાં ખાસ કરી વધુ ગંદકી ધરાવતા સ્થળો, શહેરના ગાર્બેજ વનરેબલ પોઇન્ટ, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તાર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોને આવરી લેવાયા હતા. વલસાડ ઉમરગામ, પારડી, ધરમપુર નગરપાલિકા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. અંદાજે ૨૦૫ કિમીના રૂટને સ્વચ્છ અને સુંદર બનાવાયો હતો.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત લીલાપોર સર્કલ થી ચીખલા ગ્રામ પંચાયતના રૂટ, તિથલ રોડ પર સરકારી વસાહત રૂટ અને તિથલ બીચ રૂટ પર જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા બસ સ્ટેશન થી આરપીઍફ ગ્રાઉન્ડ સુધી તેમની ટીમ સાથે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું.
