વલસાડમાં મોપેડ ચોરનાર બે ડિલિવરી બોય ઝડપાયા
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ રૂરલ પોલીસ મથકની હદમાંથી થોડા દિવસ અગાઉની ચોરી થવાની ઘટના બન્યા બાદ વલસાડ ઍલસીબી ટીમે ગણતરીના કલાકોમાં ચોરીની ઍક્ટિવા મોપેડ તથા મોબાઈલ ફોન સહિત કુલ ૫૦,૦૦૦નો મુદ્દામાલ જ કરી મૂળ ઉત્તરપ્રદેશના બે આરોપીઓને ઝડપી લીધા છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમે વલસાડના યુડીપી હોટલ પાસે બે શંકાસ્પદ ઈસમો માં જયેશ અશોકકુમાર ફરચંદે તેનુગુરીયા (ઉં.વ. ૨૩, હાલ રહે. મણીનગર સોસાયટી, મોગરાવાડી, વલસાડ, મૂળ રહે. શાહગંજ, આગ્રા, ઉત્તરપ્રદેશ) અને રાહુલ રામસ્વરૂપ નિર્મલ (ઉં.વ. ૩૬, હાલ રહે. મણીનગર સોસાયટી, મોગરાવાડી, વલસાડ, મૂળ રહે. સિંધી મહાવીરનગર, શાહગંજ, આગ્રા, ઉત્તરપ્રદેશ)ની પાસેથી નંબર વગરની ગ્રે કલરની હોન્ડા ઍક્ટિવા ૧૨૫ મોપેડ કિંમત ૪૦,૦૦૦ મોબાઈલ ફોન નંગ બે કિંમત ૧૦૦૦૦ મળી કુલ ૫૦,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. પકડાયેલા બંને આરોપીની પોલીસે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ ‘મીશો’ કંપનીમાં પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરે છે. તેઓ હરીયા રામજી ફળિયા માં ઍક ગ્રાહકના ઘરે પાર્સલ ડિલિવર કરવા ગયા હતાં, ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી હોન્ડા ઍક્ટિવા મોપેડમાં ચાવી લાગેલી જોવા મળી હતી. જેથી બંનેઍ ચોરીનો પ્લાન બનાવી આસપાસમાં અન્ય પાર્સલ ડિલિવર કરી પરત આવી મોપેડની ચોરી કરી લીધી હતી. ચોરી કરેલી મોપેડ કોઈ ઓળખી ન શકે તે માટે બંને સાઈડના કાચ તથા નંબર પ્લેટ કાઢી નાખી વલસાડ સ્ટેશન રોડ પર પાર્ક કરી દીધી હતી. મોપેડ ચોરીમાં પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
