કુંડી હાઇવે પર ઍસિડ ભરેલું ટેન્કર લીક
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ દહેજથી ઍસિડ ભરીને વલસાડના અબ્રામા સ્થિત નાઈટ્રેક્સ કંપની તરફ જઈ રહેલું ઍક ટેન્કર વલસાડના કુંડી ફાટક નજીક અચાનક લીક થયું હતું. ટેન્કરમાંથી પીળા રંગનો ધુમાડો નીકળવા લાગતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટેન્કરમાંથી લીકેજ થવાની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરી ટેન્કરને વલસાડના કુંડી હાઈવે બ્રિજ પારના સર્વિસ રોડ પર રોકી દીધું હતું. ત્યારબાદ ચાલકે તાત્કાલિક વલસાડ ફાયર ફાઈટર અને નાઈટ્રેક્સ કંપનીના સંચાલકોને બનાવ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ ફાયર ફાઈટરની ટીમ, બાલાજી કંપનીની ફાયર ટીમ તેમજ નાઈટ્રેક્સ કંપનીના ટેકનિશિયનો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાયર જવાનો અને ટેકનિશિયનોઍ સાથે મળીને લીકેજને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ફાયર જવાનોઍ સતત પાણીનો છંટકાવ કરીને ઍસિડની અસર અને ધુમાડાને ઘટાડવાનો સઘન પ્રયાસ કર્યો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.
