Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાપીના નવા ડામરરોડ પર પાણીનો છંટકાવ થતાં રસ્તો ખરાબ થવાની ભીતિ

વાપીના નવા ડામરરોડ પર પાણીનો છંટકાવ થતાં રસ્તો ખરાબ થવાની ભીતિ


(દમણગંગા ટાઈમ્સ)
વાપી,  તા. ૨૮ ઃ વાપી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મુખ્ય બજારમાં સરદાર ચોકથી હનુમાન મંદિર સર્કલ અને નેહરુ સ્ટ્રીટ સુધીના માર્ગનું નવું ડામરકામ ચાલી રહ્નાં છે. જોકે, આ નવા બની રહેલા રસ્તા પર કેટલાક દુકાનદારો અને રસ્તાની બાજુમાં લારી લગાવીને ધંધો કરતા ફેરિયાઓ દ્વારા પાણી નાખવામાં આવતાં નવો ડામર રોડ ખરાબ થવાની શક્યતા ઊભી થઈ છે. વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના રસ્તાઓનું ખોદકામ કરીને નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત વાપીના મુખ્ય બજારથી સરદાર ચોક, હનુમાન મંદિર સર્કલ થઈ નેહરુ સ્ટ્રીટ સુધીના માર્ગને નવો બનાવવામાં આવી રહ્ના છે. આ માર્ગ પર બે લેયર બાદ સીલકોટ અને ત્યારબાદ ડામર પેન્ટ કરીને તેના ઉપર ઝીણી કપચીનો પાવડર નાખવામાં આવ્યો છે. હાલમાં વાહનોની અવરજવર દરમિયાન આ ઝીણી કપચી ઊડતી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન, વાપીના દેસાઈવાડ તરફ જતા પોસ્ટ ઓફિસ સામેના માર્ગ પર કેટલાક દુકાનદારો તેમજ રસ્તાની બાજુમાં લારી લગાવીને ધંધો કરતા ફેરિયાઓ દ્વારા ધૂળ ઊડતી અટકાવવા માટે રસ્તા પર બેફામ પાણી નાખવામાં આવી રહ્નાં છે. જોકે, રસ્તો નવો બન્યો હોવાથી આ રીતે પાણીનો વધુ પડતો છંટકાવ કરવામાં આવે તો ડામરના રસ્તાની ગુણવત્તા અને ટકાઉપણાને અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે રસ્તો બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, નવા ડામર રોડ પર યોગ્ય રીતે તડકો લાગે તે જરૂરી છે. તેમ છતાં રસ્તો બન્યાના માત્ર ૨૪ કલાકમાં જ તેના પર મોટા પ્રમાણમાં પાણી નાખવામાં આવતાં રસ્તો વહેલો ખરાબ થવાની શક્યતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા વાપી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ તથા જવાબદાર ઈજનેર તાત્કાલિક સ્થળ તપાસ કરે અને રસ્તા પર બેફામ પાણી નાખનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી રહી છે. સાથે જ જાહેર નાણાંના ખર્ચે બની રહેલા નવા રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે અને રસ્તો લાંબો સમય ટકે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.