બલીઠા હાઈવે પર હાઈમસ્ટ લાઈટો ઍક મહિનાથી બંધ
- byDamanganga Times
- 29 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે ૪૮ પર વાપી નજીક બલીઠા વિસ્તારમાં મામલતદાર કચેરી અને ફૂટ ઓવરબ્રિજ પાસે લાખોના ખર્ચે લગાવેલી હાઈમસ્ટ સ્ટ્રીટ લાઈટ છેલ્લા ઍક મહિનાથી બંધ હાલતમાં છે, જે વિકાસના દાવાઓની પોલ ખોલે છે. ગત ૧૮ ઓગસ્ટના રોજ આ લાઈટ શરૂ થતા હાઈવે પર દૂધિયા પ્રકાશ ફેલાયો હતો. અંધારામાં જીવતા બલીઠાના લોકોને આશા હતી કે રાત્રિ અકસ્માતો ઘટશે, પરંતુ સપ્ટેમ્બરના મધ્યમાં જ લાઈટ ગુલ થઈ જતા ફરી અંધારપટ છવાઈ ગયો છે. આ લાઈટ આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. નવાઈની વાત ઍ છે કે આ બંધ લાઈટની બાજુમાં જ મામલતદાર કચેરી, મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ટ્રાફિક પોલીસ સ્ટેશન આવેલા છે. રોજ સેંકડો અરજદારો અને અધિકારીઓ આ રસ્તેથી પસાર થાય છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. આ દીવા તળે અંધારા જેવો ઘાટ છે. ઍક જ મહિનામાં લાઈટ બંધ થવા પાછળ હલકી ગુણવત્તાના સાધનો કે કોન્ટ્રાક્ટરની બેદરકારી કારણભૂત હોવાની શંકા છે. નિયમ મુજબ પ્રોજેક્ટ બાદ ૧ થી ૩ વર્ષ સુધી ખામીની મફત મરામતની જવાબદારી ઍજન્સીની હોય છે, છતાં ઍક મહિનાથી સમારકામ થયું નથી. સ્થાનિકોનો સવાલ છે કે જો જાળવણી જ ન કરવી હોય તો લાખો રૂપિયા વેડફવાની શું જરૂર હતી. જો તંત્ર હવે પણ નહીં જાગે તો બલીઠાનો વ્યસ્ત હાઈવે અંધારામાં જ ગરકાવ રહેશે.
