વલસાડમાં પુરપીડિતોને સહાય ન મળતાં માજી પાલિકા પ્રમુખે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી
- byDamanganga Times
- 28 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં આવેલા ભયાનક ઘોડાપૂરને ત્રણ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી અનેક ગરીબ અને અસરગ્રસ્ત પૂરપીડિતોને સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય ન મળતાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશભાઈ મંગુભાઈ પટેલ (રાજુ મરચાં) તેમજ વોર્ડ નં. ૨ ના સ્થાનિક રહીશો દ્વારા વલસાડ મામલતદાર અને કલેક્ટર ને લેખિત રજૂઆત કરી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં જણાવ્યું કે પૂર બાદ સરવે પૂર્ણ થયો હોવા છતાં અને ફોર્મ ભરાયા હોવા છતાં અંદાજે ૩૦ થી ૪૦ ટકા પૂરપીડિતોને હજુ સુધી સરકાર તરફથી મળવાપાત્ર રોકડ સહાય (કેશડોલ) મળી નથી. જેમાં ખાસ કરીને નદી કાંઠા વિસ્તાર ગણાતા વોર્ડ નંબર ૨ તેમજ હનુમાન ભાગડા, લીલાપોર, મોગરાવાડી, કૈલાશ રોડ, ગ્રીનપાર્ક અને ડૉનડીયા ટેકરા જેવા વિસ્તારોમાં ઘરોમાં ૧૫ થી ૨૦ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી ગરીબોની તમામ ઘરવખરી નાશ પામી હતી. સરકારે જાહેર કરેલી ૬,૮૦૦ (૫,૦૦૦, ૧,૮૦૦) ની સહાયની રકમ આ અસરગ્રસ્તોના ખાતામાં હજુ જમા થઈ નથી.
રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, જરૂરિયાતમંદ અને અસલ હકદાર ગરીબોના નામ યાદીમાંથી કમી કરી દેવાયા છે અને જેમના ઘરમાં પાણી નહોતા ભરાયા તેવા લોકોને સહાય ચૂકવાઈ હોવાની લોકચર્ચા ચાલી રહી છે, જેમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા છે. પાલિકાને ફાળવેલી ગ્રાન્ટમાંથી તાત્કાલિક ચૂકવવાપાત્ર રકમ પણ પીડિતો સુધી પહોંચી નથી.
માજી પ્રમુખ અને સ્થાનિક આગેવાનોઍ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક અસરથી બાકી રહી ગયેલા તમામ પીડિતોનો ફરીથી સરવે કરાવી સહાયની રકમ ચૂકવવામાં નહીં આવે, તો નગરપાલિકા અને વહીવટી તંત્ર વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી કાયદાકીય લડત લડવામાં આવશે.
