નગવાસની આગમાં ૩ કંપનીના વેરહાઉસ લપેટાયા
- byDamanganga Times
- 28 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક આવેલા નગવાસગામે આવેલી ઔદ્યોગિક વસાહતમાં મંગળવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી. લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ત્રણ વેરહાઉસ આગની ઝપેટમાં આવી જતાં તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. બનાવની પ્રા માહિતી મુજબ, યુનોવેલ પ્લાસ્ટિક બેગ બનાવતી કંપનીમાં આજે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓઍ બાજુમાં આવેલા ગલ્ફ અને હિન્દુસ્તાન પેન્સિલ કંપનીના વેરહાઉસને પણ લપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં જ આકાશમાં ઊંચે સુધી કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂર સુધી દેખાતા હતા. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં ઉમરગામ, સરીગામ, વાપી મહાનગરપાલિકા અને નોટિફાઈડ વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા મોડી સાંજ સુધી પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ભીડને નિયંત્રિત કરી રહ્ના છે. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ ત્રણેય વેરહાઉસમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંકડો આગ કાબૂમાં આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
